Principal’s Message

શ્રી ચંદ્રવદન પટેલ, આચાર્ય

વિદ્યાનું મંદિર શાળા છે. જ્યાં શિક્ષણ,સંસ્કુતી,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. આજે બાળક શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે એ કોરી સ્લેટ હોય છે એવું કહેવું ભૂલ ભરેલું ગણાશે. આજેનો બાળક જન્મતા વેંત જ આસ-પાસના વાતાવરણમાંથી શીખવાનું શરુ કરી દેતો હોય છે. આપણા શાસ્ત્રોનું માનીએ તો અભિમન્યુ માતાના ઉદરમાંથી યુદ્ધ વિદ્યા શીખીને આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીમાં  રહેલી ઉણપને ઉજાગર કરવાને બદલે ઉણપો દૂર કરવામાં વિદ્યાર્થીઓને સહાયરૂપ બની વ્યક્તિના જીવનમાં જરૂરી એવા જીવન કૌશલ્ય, મુલ્યો,વલણો વગેરેનો વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આજે અનિવાર્ય બની રહ્યું છે. જીતને પચાવવી અને હારના સંજોગો ઉભા થાય ત્યારે તેનો સામનો કરી અને કઈ રીતે ફતેહ હાંસલ થઈ શકે તે શીખવવું આજના પરીપેક્ષમાં ખુબ જરૂરી છે. આ લક્ષપ્રાપ્તિ માટે સંસ્થાના સ્થાપક પૂ. પુરાણી સ્વામીજી, મેં.ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીના નેજા હેઠળ અને ટ્રસ્ટી મંડળ તથા ડાયરેક્ટરશ્રીઓના માર્ગદશન હેઠળ શાળાના કર્તવ્ય પરાયણ શિક્ષકો દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણ, શાળામાં સાંસ્કૃતિક અને ઈતર પ્રવૃત્તિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવોની ઉજવણી, રમત-ગમતના કાર્યક્રમો કરવામાં આવે છે. બાળક લેખન,વાંચન,ગણનમાં પારંગત બને અને પુસ્તકનો જ્ઞાતા બને એટલું પુરતું નથી પરંતુ તેનો સર્વાંગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સાચા માનવીનું નિર્માણ થાય, રાષ્ટ્રભાવનાનું તેમાં રોપણ થાય તે માટે પ્રેમ, હૂફ અને સહાનુભૂતિથી વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગમાં વિશ્વમાં જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે. શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. ગુરુકુલીય પરમ્પરાની સાથે આધુનિકતા નૂતન કેળવણીનો અગત્યનો ભાગ બન્યો છે ત્યારે શિક્ષણના આવા બદલાવને પિછાણી નવા પડકારો ઝીલી મૂલ્યાંકનના સંદર્ભને આત્મસાત કરવાનું કાર્ય શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બન્યું છે. આ સઘળી બાબતોને ધ્યાનમાં રાખી શાળામાં શિક્ષણ કાર્ય તેમજ વિવિધ પ્રવૃત્તિ થાય છે.